બાવીસી…

IMG_0518

મારા અંતર સુધી પહોંચાડતી ક્ષણોનો સાથી…

 

 

“સાચ્ચે-સાચ્ચું છે, છતાંયે પાંપણોમાં સ્તબ્ધ છે ;

આપણું અસ્તિત્વ જાણે આંખોમાં વિલપ્ત છે…”

 

     ‘બાવીસી’- જીવનના અદ્ભુત બાવીસ વર્ષ પૂર્ણ થયાના આજના જન્મદિનની ખુશીની પળો, એક નવા અહેસાસ, એક નવા જૂનુન અને નવીન ધ્યેયોને સાર્થક કરવા માટેની આજની ક્ષણો. જન્મદિન તો આજે જ છે, પણ મારે મન તો એ દરેક દિન જન્મદિન છે, જ્યારે તમે તમારી ખુશીને ઉજવો છો, વહેંચો છો અને બત્રીસીવાળી મુસ્કાન સહજતાથી દુનિયા સમક્ષ રજુ કરો છો. મિત્રોની મહેફિલમાં, જન્મદિનો, માતા-પિતાના આશીર્વાદ, સાલગીરી, ઘરના પ્રસંગો, વ્યક્તિત્વ ઘડતી વાતો, અહેસાસો, ઈશ્ક અને મહોબ્બત – સંપૂર્ણ સ્થૂળ ઘટનાથી ચેતનવંત બનાવતી દરેક પ્રક્રિયાનો દિન એ મારા મત મુજબ જન્મદિન છે.

 

    વૈશાખની તગતગતી ગરમીમાં જન્મેલા છોકરાની યુવાની અવસ્થા હંમેશ ચકમકતી બની રહે એ જ પ્રાર્થના. સાચે જ, અજુંગતું લાગે નૈં? હા, ક્યારેક ખુદના માટે પણ પ્રાર્થના કરવી જરુરી બને. બાળપણથી યુવાનીમાં પ્રવેશેલા મારા જેવા દરેક મિત્રો શ્વાસોના સીમાડાની ભરચક ગણતરી સાથે જીંદગીને માણવા તો નીકળી પડે છે, પણ જાણી શકતા નથી. વરસતા વરસાદની બે બુંદો વચ્ચેનું અંતર પણ જાણવું જેટલું સહજ છે, એટલું જ સહજ જીંદગીને જાણવું છે. ક્યાંક માતાના ખોળામાં, ક્યાંક બહેનના પ્રેમમાં, ક્યારેક પપ્પાના ઠપકામાં, મિત્રોની મોજમાં, વડિલોની સમજણમાં, અણિયારી યુવાનીની પળોજણમાં તો ક્યાંક વિલુપ્ત ને એકાંત થતી આ ક્ષણો જીંદગીને માણવાની મજબુતી છે, તેથી આ બાવીસીની દરેક પળો જન્મદિનની લ્હાણી છે.

 

      ઈચ્છાઓ બ્રહ્માંડ જેવી હોય છે. જીંદગીના દરેક પ્રસંગે એ નવીન કુંપળતા લઈને વિસ્તરે છે, ફૂલે છે, ફાલે છે. આ ખ્વાહિશોના દરેક રસ્તાં એ શ્વાસોમાં ગુંથેલા ઓક્સિજન માફક છે, જે સતત મને જીવાડવા માટે પ્રેરણા પુરી પાડે છે. જીંદગી અંતે તો મૃત્યું જ છે. પણ મારો મતલબી જીવ કહે છે, આપણા સૌ કોઈનો અંતિમ ધ્યેય પ્રેમ છે. આકાશથી આગળ વધતાં એ સાંજનું કેસરીયા સળવળાત દેખાય છે, ત્યાં પગલાં પાડીને એ ઘમરોળ સૂર્યને ચૂંમવું અને આંખોમાં ભરવું એ પ્રેમ છે. જે હાલમાં છું, તે હાલને સ્વિકારવું એ પ્રેમ છે. જીંદગીના દરેક પગથિયાંમાં પોતાની ક્ષમતાથી એક ડગલું આગળ વધવું એ પ્રેમ છે. ‘પોતાના વર્જિન હોઠોની રેખાને પ્રિયતમાની હોઠોની રેખાની સમકક્ષ કરવું એ પ્રેમ છે. અહેસાસો, આવેગો, વિચારો, ક્રિયાઓ, પ્રિતક્રિયાઓ, વાણિપણું, વાત્સલ્ય અને પોતાની સુક્ષ્મ કોમળતાનું આલિંગન ભરવું એ પ્રેમ છે. આ પ્રેમ સતત જીવવા માંગે છે, એને જીવાડો. તમારા વિચારોને વ્યક્ત કરો અને ખુદને જીવાડો. ખરા અર્થમાં આ જન્મદિન છે.

 

       રક્તનું શીરા અને ધમનીમાં વહેવાનું કારણ છે તમારી ખુમારી. પ્રકૃતિની ચેતનવંતતા છે એનો વહેણ. સુરજ-ચાંદની ગતિ, દરિયાની ચિત્કારતા, ‘શ્યામ’ શબ્દનું ધગધગતું કહેણ, પ્રેમનું આલિંગન, હ્રદયના ધબકારા, આંખોના સપના, પાંપણોના પલકારા, ફૂલોનો સુવાસ અને ઈશ્વરનો એકાંતિક સતત પંપાળતો સંદેશ – આ બધું જ મારા માટે છે. મનના માળવે માધવ સુધી પહોંચવા માટે મારે ખુદ જ મને ચાહવું પડે. આ અહેસાસને સતત મનના દ્ધારો પર ખખડાવવા પડે. સક્ષમતા અને ઈચ્છાશક્તિને ભેગી કરીને જ્યારે આપણે પોતાની જાત પર વિશ્વાસ કરતાં શીખી જઈએ, ત્યારે જન્મદિન ઉજવવાની ક્ષણો નીકળે. એકદમ સાચું કહું તો આપણું અસ્તિત્વ જ આપણો પડઘો અને પડછાયો બનીને જીવે એવી વાત છે, જેમાં ન શરમના ટોપલાં પડે, ન આંખોમાં સંશય ઉદ્ભવે, ન દુન્યવિ બંધન-ત્રાજવા નડે, ના કે પોતાના જ આકરા શબ્દો સંભળાય. સાવ સહજ અને સરક્ળ બનીને જીવનને ચાહો, માણો, ચુંબન ભરો, આલિંગન કરો, લાગે તો તેના અદ્રશ્ય કાનોમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરો, ગલગલીયા કરો અને કાયનાતને પોતાનાથી રુબરું કરાવો, તો અને તો જ આ બાવીસીથી આગળ હું જન્મદિન ઉજવો.

 

#રાહબર કથન : જીંદગીનું અંતિમ સત્ય તમે પોતે જ છો, તમારો મોહ તમારા જીવન પર રાખો, થોડા મતલબી બનીને પોતાની જાત સ્વચ્છ-પવિત્ર બનાવો. પછી જુઓ, જીંદગી તમને શું આપે છે!!!

 

ઢીમર દિવેન.

૧૪.૦૫.૨૦૧૮

8 thoughts on “બાવીસી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s